બુધવાર, ઑક્ટોબર 11, 2023

નિકળ્યો !

આગ બન્ને તરફ હતી,
ને હું ગુલાબથી બુઝાવા નિકળ્યો.

માંગ હતી એની સૂવર્ણની, 
ને હું ગરમાળો આપવા નિકળ્યો,

ધરા પર પગ અને ,
હું અંબરે ચાલવા નિકળ્યો,

કોયલના ટહુકા સાંભળવા, 
હું વસંત બનીને નિકળ્યો,

સનાતનોની આ ભીડમાં,
હું રેશનલ બનીને નિકળ્યો,

કઈ તો ભુલ છે 'રજની'ની,
કે દિવસે ચાંદ શોધવા નિકળ્યો,

- રજનીશ ટાંક (28/08/2023)

શનિવાર, જૂન 19, 2021

લખું..!

એમ જો તુ વરસે જેઠના વરસાદની જેમ, તો..!
કાળા મેઘ વાદળો પર ,વિજળીથી તારુ નામ લખું !

બહુરંગી ફૂલ તો હશે લાખો  બગીચાઓમાં તો,
કાંટાઓની ચાદર પર ગુલાબથી તને પ્રેમપત્ર લખું !

એમ જો તું દરીયો બની ટકરાય ચટ્ટાનો પર ,
ઉછળતી લાગણીના મોજાઓથી તારો ચહેરો લખું !

પ્રણયની આ મૌસમમાં તું એક પ્રેમનો જામ ભરે ,
ચાલ તો  હું'ય એક બીજી દેવદાસ લખું !

જો તુ મારી કવિતાને તારા કંઠેથી સૂર પૂરાવે ,
તો આલે લે, ચુમોતેર શબ્દોની કવિતા લખું !


- રજનીશ ટાંક ( 19/06/2021)

શુક્રવાર, જૂન 18, 2021

હોય છે....

ખારો સમુદ્ર, તોય યજમાન હોય છે ,
નદીઓ તોય એની મહેમાન હોય છે.

લાગણીઓને કાંડે બાંધી લએ તો ચાલે ?
હ્યદયની પણ એક નસ હાથમાં હોય છે.

એટલે જ તો એક દિહાડો અંધારુ હોય છે.
ચંદ્રમાં રોજ ક્યાં સંપૂર્ણ હોય છે !

ફૂલોના છોડ'ય લીલાછમ હોય છે ,
તોય એના ફૂલો રંગબેરંગી  હોય છે.

ઘૂવડની જેમ ક્યાં સુધી ભટકશું 'રાજુ' !
આગિયાને ક્યાં વિજળીના તાર હોય છે !

- રજનીશ ટાંક 
(૩૧/૦૫/૨૦૨૧)

ચૂક્યો છું.....

એની આંખોના સુકા રણમાં ,
મીઠી નદી વહાવી ચૂક્યો છું.

એના આંસુના વરસાદમાં,
મેઘધનુષ્ય બનાવી ચૂક્યો છું.

એના હ્રદયની ચટ્ટાનો ઉપર,
પગલા પડાવી ચૂક્યો છું.

એની હથેળીના સંમંદરમાં,
રેખાઓનું ગણિત ભણી ચૂક્યો છું.

એની માત્ર એક મૂસ્કાન માટે,
હું ખૂદ એના હોઠ બની ચૂક્યો છું !


- રજનીશ ટાંક (7-06-2021)

સોમવાર, ફેબ્રુઆરી 22, 2010

વાઘથી પણ પહેલા વિલુપ્ત થઈ શકે છે સફેદ શાર્ક…




આજે ભારતમાં લુપ્ત થતા વાઘોને બચાવા માટે જનચેતના માટેના કાર્યક્રમો થઈ રહ્યા છે.મોબાઈલ થી માંડીને ટી.વી,બ્લોગ દ્વારા પ્રયાશો થઈ રહ્યા છે.આજે ભારતમાં માત્ર ૧૪૧૧ વાઘ બચ્યા છે અને દુનિયામાં વાઘોની સંખ્યા લગાતાર ઘટતી જાય છે.જો આવુ જ ચાલતુ રહ્યુ તો આવનાર દશક સુધીમાં વાઘ આ ધરતી પરથી વિલુપ્ત થઈ જાશે.

પણ આજે માત્ર વાઘ જ નથી કે જેના પર લુપ્ત થવાનો ખતરો છે.મરીન લાઈફના કેટલાક આંકડાઓ મુજબ વાઘ જેવી જ હાલત સફેદ શાર્કની છે અને તેના વિલુપ્ત થવાનો ખતરો વાઘથી પણ વધારે છે.

કેનેડાના વિષેશજ્ઞ ડૉ. રનાલ્ડ ઓડોર ના કહેવા અનુશાર  -આજ સુધી લોકો વિચારતા હતા કે શાર્કથી તો મનુષ્યને ખતરો છે એટલે તેમને સફેદ શાર્કને બચાવાની કોઈ ઈચ્છા ન’હોતી.પણ હવે લોકો સમજે છે કે સફેદ શાર્કને પણ જીવવાનો પૂર્ણ અધિકાર છે એટલે આપણે તેને બચાવી જોઈએ..

ઓસ્ટ્રેલિયામાં સફેદ શાર્કના સંરક્ષણ માટેના પ્રયાશો ચાલુ છે.તેના માટે ત્યાંના સમુદ્રી વિસ્તારોમાં સફેદ શાર્કની ઉપર ટેગ લગાવામાં આવી રહ્યા છે.દરેક દરીયા કિનારાઓ પર કેટલાક રિસિવર લગાવામાં આવ્યા છે.જેથી જ્યારે પણ કોઈ શાર્ક કિનારા પાસે આવી જાય ત્યારે તે રિસિવર સ્વસંચાલિત રીતે નજીકના ઈન્ચાર્જને જાણકારી આપી દે છે.જેથી સમય રહેતા જ તે સફેદ શાર્કને ફરી ઊંડાણવાળા પાણીમાં ધકેલી દેવામાં આવે.

એવા ઘણા પ્રાણીઓ છે કે જે આજે માત્ર ચિત્રોમાં અથવા પ્રાચિન દસ્તાવેજોના પનાઓમાં જ રહ્યા છે.તેમના વિલુપ્ત થવા પાછળ પ્રકૃતિક કારણો તો છે જ ,પણ મનુષ્ય ઘણા અંશે જવાબદાર છે.હવે સમય છે કે મનુષ્ય પોતાની ભુલો પણ પછતાવો પ્રગટ કરે અને બાકી બચેલા વન્યજીવોનું સંરક્ષણ કરે.જે વન્યજીવો વિલુપ્ત થવાના આરે છે તેવા જીવોના રક્ષણ જવાબદારી ઉઠાવે…

શનિવાર, જાન્યુઆરી 23, 2010

ઉત્તરાયણમાં ઘાયલ થયેલા એક કબુતરી આત્મકથા



મંદિરીયાના શિખર પરના એક બખોલમાં,
શિયાળાની શિતળ પરોઢે મારો જન્મ થયો,
જન્મની સાથે જ મને આ દુનિયા જોવાની ઈચ્છા હતી,
બે દિવસ પછી આંખો ખુલી અને જોઈ આ દુનિયા,
જોયુ કે ,ભગવાને તો મને તેમના શિખર પર આશરો આપ્યો હતો,
બખોલ્યામાં બેઠુ બેઠુ ઉત્સાહમાં જ વિચારતુ હતુ કે,
ક્યાંરે પાંખો આવે ? અને વાંદળોની હારમાળાને ચુંબન કરી લવ,
દિવસો વિતવાને ક્યાં વાર હતી ?
પાંખો આવી અને ઉડવાની પ્રથમ કોશિશ કરી,
જેમ તેમ ઉડ્યન કર્યા બાદ,ફરી બખોલમાં આવીને બેસી જાવ,
ધીમે ધીમે ઉડતા પણ આવડી ગયુ,
મંદિરના આગણે દરોજ સવારે શ્રદ્ધાળુઓ આવે, અને
બાજરા-જુવારના દાણા પિરસતા જાય,
અમે બધા જ તેમના મહેમાન બનીને ,
તેમના યજમાનપણનું સ્વાગત કરીયે,
બપોરે ક્યારેક બખોલમાં આરામ કરીયે,
તો ક્યાંરેક કોઈકની મેળીએ ઘુટર-ઘુ કરીયે,
ધરતી થી આકશની વચ્ચે જ મારો દિવસ પસાર થતો,
સાંજ થતાં જ હું મારી બખોલમાં પાછુ ફરતુ,
અને રાત્રીના સન્‍નાટામાં શાંતિની નિદ્રા માણતુ,
આ જ મારો નિત્યક્રમ બની ગયો હતો,
કાળચક્રએ મારા જીવનમાં એવુ ચક્ર ફરાવ્યુ કે,
મારુ જીવન ધરતી પુરતુ મર્યાદિત રહી ગયુ,
મારા ખુલ્લા આકાશને કાગળના ઘનુષ્ય અને દોરીના તીરેથી સજાવ્યુ,
જ્યાં જાવ ત્યાં કાળા માથાળો મનુષ્ય નજરે પડે,
એક જગ્યાથી બીજી જગ્યા ,ફાફા મારતુ મારતુ ,અંતે ધરતી પર પડ્યુ,
પંતગરૂપી ધનુષ્ય અને તિક્ષ્ણ ધાર વાળી દોરીરૂપી તીરે ,
મારી કોમળ પાંખોને વિંધી નાખી,
કાળા માથાળા મનુષ્યે મારા જીવને શ્રાપ બનાવી નાખ્યુ,
જે મનુષ્ય મારા માટે ચણ નાખવા આવતો,તે જ કાળ બની ગયો,
એક પક્ષી પ્રેમીએ મારી સારવાર કરી ,અને
જીવના આથમતા સુર્યમાં રોશનીનુ એક કિરણ નાખ્યુ,
વિશાળ આકાશ મારા માટે એક ખ્વાબ સમુ બની રહ્યુ ,
એક પ્રાથના કરુ છુ મનુષ્ય તને,
હે મનુષ્ય !મારી કથા જોયા બાદ, મને વચન આપ કે,
આજ પછી તુ કોઈ પણ પક્ષીનો કાળ નહી  બને,
___________________________

- સુરત નેચર કલ્બના એક સભ્ય દ્વારા લખાયેલી આત્મકથા છે.તેમણે કાગળ પર ઉતારી અને મને બતાવી હતી.મને ખુબ ગમી અને મે બ્લોગ પર ઉતારી નાખી.
તેમણે ઉત્તરાયણ દરમિયાન ઘાયલ કબુતરની આંખોમાં જોઈને આ આત્મકથા લખી હતી.તમે કદાચ નહી માનો પણ આત્મકથા લખતા તેમની આંખોમાં આંશુ આવી ગયા હતા.
તેમણે નામનો ઉલ્લેખ કરવાની ના પાડી છે.

મંગળવાર, જાન્યુઆરી 12, 2010

પતંગની દોરી ભલે કપાય,પણ કોઈ પક્ષીના જીવની દોરી ન કપાય તે જો જો

સર્વે મિત્રોને મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભકામનાઓ.

ઉન્ધિયુ,તલસાકરી,લોચો,શેરડી,આલુપુરી ની મજા માણો અને આનંદથી પતંગ ઉડાવો...લપેટ..

*********************************************************************************
હવે મહત્વની વાત..કે ઉત્તરાયની મજા માણો ,પણ આ મજા પક્ષીઓ માટે સજા ન બની જાય તેનુ પણ ધ્યાન રાખો..

સુરત નેચર કલ્બ દ્વારા ઘાયલ પક્ષીઓના બચાવની કામગીરી કરવામાં આવે છે.તમે પણ અમને સહાય કરશો તેની મને પુરી ખાત્રી છે.તમારી આસપાસ કોઈ પણ ઘાયલ પક્ષી નજરે આવે તો,મોટુ હૈયુ રાખીને સુરત નેચર ક્લ્બને જણાવો.તેનામાટે નીચે મુજબ ફોન નંબર છે..માત્ર તમારો એક કોલ પક્ષીઓની જીદગી બચાવી શકે છે..પતંગની દોરી ભલે કપાય,પણ કોઈ પક્ષીના જીવની દોરીન કપાય તે જો જો..

સુરત નેચરે ક્લ્બ ----

ઘાયલ પક્ષીઓની મદદ માટે આ મોબાઈલ નંબરો પર ફોન કરવો..

-99797 30036
-98254 80908
Me-99781 44421
{જો આપ રાંદેર કે અડાજણ વિસ્તારમાં છો, તો આ નંબર પર ફોન કરવો }

નોંધ -આ સંસ્થા માત્ર સુરત શહેર પુરતી મર્યાદિત છે.તેની નોધ લેવી..મજાક ખાતર ફોન કરવો નહી..

જય હિન્દ ,જય ગરવી ગુજરાત

સોમવાર, નવેમ્બર 30, 2009

હું સાંભળું છું...ચાર્લ્સ રોપેર ..(પુસ્તક --ગ્લોબલ વાર્મિંગ માંથી )

હું સાંભળું છું............

હું વૃક્ષો ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--"માથું "ઊંચું" રાખો, ફળવંત બનો,
--એકલા રહો કે સંગાથ માં રહો,
સમય સાથે તમારો "વિકાસ" થશે જ".

હું સૂર્ય ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--બીજાને તમારી હુંફ નો અનુભવ કરવા દો,
--કોઈ અપેક્ષા વિના કાર્ય કરતા રહો,
--તમારી જાત સોપી દો .

હું પર્વતોને , સાંભળું છું અને તેઓ મને કહે છે,
--"જ્યાં છો ત્યાં રહો,પ્રમાણિક માણસ બનો,
--તમે જે કરવાનું કહો છો તેમાં,
--અડીખમ રહી મક્કમતા થી કરો".

હું પંખીઓ ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--"તમારી જાત ને કોઈ પણ
--વળગણ માંથી મુક્તિ બક્ષો,
--ખુબ ઉંચે સુધી ઉડો,અને ગીતો ગાઓ,

હું વાદળો ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--"સર્જનાત્મક બનો,અભિવ્યક્ત થાઓ,
--હળવા અને આનંદિત બનો,
--રડવાનું મન થાય તો રડો."

હું આકાશ ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--"ખુલ્લા રહો,
--સરહદો ને જતી કરો,"અમર્યાદિત બનો"
--અનુભવો બદલાતા રહે છે,તો અમાપ બનો

હું ફૂલોને અને નાના છોડવાઓને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--નમ્ર બનો, સરળ બનો,
--"સર્વ-સંપૂર્ણ" નો આગ્રહ છોડો,
--તમે જેમ છો,તેમ તમારી જાત ને સ્વીકારી ને ,
--તમારી જાત પર પ્રેમ રાખો.

હું ચંદ્ર ને સાંભળું છું અને તેઓ મને કહે છે,
--પ્રેમ ને રોમાંચક બનાવો, સ્પર્શ કરો,
--નિર્મળ વ્હાલ કરો,
--જીવનની "વધ-ઘટ" ને પણ માણો,

હું તારલાઓ ને સાંભળું છું અને.તેઓ પલકારો મારીને મને કહે છે,
--"રમો ,નાચો ,ને લ્હેર કરો ,
--જયારે "જરૂર" પડે ત્યારે,
--તરત જ તમારી "પોતાની" રોશની ફેલાવો,

હું ધરતી ને સાંભળું છું અને તે મને કહે છે,
--"હું તમારી માતા છું,
--તમારી ચારે બાજુ જે છે, તે બધાને આદર આપો,
--કારણ, "આપણે સૌ એક જ છીએ".
--તમે બધા બાળકો મારા છાતીસરસા જ છો,
--અને મને પણ તમારી સાથે "માનભેર " રાખજો.

જયારે.....
તમે મારી પાસે થાકીને પરત આવશો,ત્યારે હું તમને આવકારીશ.
અને તમારા "આત્મા " ને મુક્ત કરીશ


શુક્રવાર, નવેમ્બર 20, 2009

ગુજરાતનાં અભયારણ્યો

સિંહનું અભયારણ્ય

ગિર સિંહનું અભયારણ્ય
સ્‍થળ : જૂનાગઢ જિલ્‍લો. જૂનાગઢથી 64 કિ. મી. અને વેરાવળથી 32 કિ. મી.
વિસ્‍તાર : 1412 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : સિંહ, દીપડા, કાળિયાર, ચોશિંગા, હરણ, સાબર, જંગલી
ભૂડં, મગર તથા વિવિધ પ્રકારના પક્ષીઓ.
સુવિધા : અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે મળે છે. ગાઈડ તથા પુસ્‍તકાલય છે. વન્‍ય પ્રાણીને લગતી ફિલ્‍મો અને સ્‍લાઈડ શૉ ગોઠવવામાં આવે છે. શ્રેષ્‍ઠ સમય : જાન્‍યુઆરીથી મે મહિનો.
રેલવે મથક : વેરાવળ-સાસણગીર.





બરડા : સિંહ અભયારણ્ય
સ્‍થળ : જૂનાગઢ જિલ્‍લો. પોરબંદરથી લગભગ 14 કિ. મી. ના અંતરે છે.
વિસ્‍તાર : 192 ચોરસ કિ. મી.
વન્‍ય સૃષ્ટિ : જંગલી ભૂંડ, દીપડો, ચિત્તલ, સાંભર, નીલગાય, વાંદરા.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલ્‍વે મથક : રાણાવાવ-પોરબંદર
સામુદ્રિક ઉદ્યાન /અભયારણ્ય
સ્‍થળ : જામનગર જિલ્‍લો, કચ્‍છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીના દરિયાકાંઠા વિસ્‍તારમાં.
વિસ્‍તાર : 163 ચોરસ કિ. મી. માં રાષ્‍ટ્રીય ઉદ્યાન, 458 ચોરસ કિ. મી.માં અભયારણ્ય.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : વિવિધ પ્રકારના પરવાળાના ટાપુઓ, કાળા કોર્નલિયા નામના જળચળ જીવ વસે છે. ડોલ્ફિન માછલીનું કુદરતી આશ્રયસ્‍થાન. વિવિધ જળપંખી જોવા મળે છે.
સુવિધા : વનવિભાગ તરફથી પરવાળાના ટાપુઓ જોવા માટે યાત્રિંક બોટ.
શ્રેષ્‍ઠ સમય : ડિસેમ્‍બરથી મે મહિનો
રેલવે મથક : જામનગર.
વેળાવદર : કાળિયાર અભયારણ્ય
સ્‍થળ : ભાવનગર જિલ્‍લો. ભાવનગરથી 65 કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્‍તે અમદાવાદ-ભાવનગરની વચ્‍ચે.
વિસ્‍તાર : 18 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : કાળિયાર, વરુ.
સુવિધા : ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત પ્રવાસીઓ માટે વેળાવદર ખાતે વનવિભાગની એક લોંગ હટ છે. જમવાની પણ સગવડ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી મે મહિનો.
રેલવે મથક : ભાવનગર.





ઘુડખર અભયારણ્ય

સ્‍થળ : સુરેન્‍દ્રનગર/કચ્‍છ જિલ્લો, સુરેન્‍દ્રનગરથી 65 કિ. મી. હળવદ તરફ કચ્‍છના નાના રણમાં
વિસ્‍તાર : 4953 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : જંગલી ગઘેડા, દીપડા, કાળિયાર, વરુ, નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ.
સુવિધા : ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહો છે.
શ્રેષ્‍ઠ સમય : ફેબ્રુઆરીથી મે મહિનો.
રેલવે મથક : હળવદ

નળસરોવર પક્ષી અભયારણ્ય
સ્‍થળ : સુરેન્‍દ્રનગર જિલ્‍લો, અમદાવાદ-સુરેન્‍દ્રનગરના રસ્‍તે સાણંદ પાસે 35 કિ. મી.
વિસ્‍તાર : 115 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : યાયાવર જળચર પક્ષીઓ જેવાં કે વિવિધ પ્રકારનાં બગલાંઓ, બતકો, સ્‍પુનબીલ, બાજ અને સ્‍થળાંતરી પક્ષીઓની અનેક જાતો.
સુવિધા : પક્ષીનિરીક્ષણ માટે સરોવરમાં જવા નાની હોડીઓ. બાયનોક્યુલર પણ ભાડે મળી શકે છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી ફેબ્રુઆરી.
રેલવે મથક : સાણંદ.





રીંછનાં અભયારણ્યો

રતનમહાલ : રીંછ અભયારણ્ય
સ્‍થળ : પંચમહાલ જિલ્‍લો, લીમખેડા તાલુકો, બારિયાથી 45 કિ. મી.ના અંતરે છે.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, છીંકારાં, નીલગાય, ડુક્કર.
સુવિધા : પીપરગોટા, સાગટાળામાં અને બારિયામાં વનખાતાનાં વિશ્રામગૃહો તથા જાહેર બાંધકામ ખાતાનું વિશ્રામગૃહ.
શ્રેષ્‍ઠ સમય : ડિસેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : બારિયા અને પીપલોદ







જેસોર : રીંછ અભયારણ્ય
સ્‍થળ : બનાસકાંઠા જિલ્‍લો, પાલનપુરથી 45 કિ. મી.ના અંતરે છે.
વિસ્‍તાર : 181 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, સાંભર, નીલગાય, ભૂંડ, શાહુડી, પક્ષીઓ.
સુવિધા : અમીરગઢ ખાતે જાહેર બાંધકામ ખાતાનો સ્‍ટોર 10 કિ. મી. ના અંતરે તથા દાંતીવાડા સિંચાઈ નિરીક્ષણ બંગલો અને બાલારામ ખાતે હોલિડે હોમ 20 કિ. મી. ના અંતરે છે.
ડુખમલ : રીંછ અભયારણ્ય
સ્‍થળ : ભરૂચ જિલ્‍લો, ડેડિયાપડાથી 30 કિ. મી.
વિસ્‍તાર : 151 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડા, સાબર, ચોશિંગા, ઝરખ, સસલું તથા વિવિધ પક્ષીઓ.
સુવિધા : ડેડિયાપાડાથી 30 કિ. મી.ના અંતરે છે. જાહેર બાંધકામખાતું અને પંચાયતનું વિશ્રામગૃહ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : અંકલેશ્વર.
વાંસદા : રાષ્‍ટ્રીય ઉદ્યાન
સ્‍થળ : વલસાડ જિલ્‍લો, બીલીમોરાથી 40 કિ. મી. ના વિસ્‍તારમાં.
વિસ્‍તાર : 7 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : વાઘ, દીપડો, જંગલી ભૂંડ, ઝરખ, સાબર, ચોશિંગા વગેરે.
સુવિધા : જાહેર બાંધકામ ખાતા અને પંચાયતનાં વિશ્રામગૃહો પણ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી ફેબ્રુઆરી.
રેલવે મથક : બીલીમોરા.

હિંગોલગઢ : પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય
સ્‍થળ : રાજકોટ જિલ્‍લો.
જસદણથી 10 કિ. મી. ના અંતરે છે.
વિસ્‍તાર :7 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : નીલગાય, છીંકારાં, સ્‍થળાંતરી પક્ષીઓ જેવાં કે હંજ, ફલેમિંગો વગેરે.
સુવિધા : જસદણમાં સરકારી ગેસ્‍ટ હાઉસ.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : રાજકોટ-જસદણ.

 






  



 


સૌજન્ય- ગુર્જરી.નેટ