શનિવાર, જૂન 19, 2021

લખું..!

એમ જો તુ વરસે જેઠના વરસાદની જેમ, તો..!
કાળા મેઘ વાદળો પર ,વિજળીથી તારુ નામ લખું !

બહુરંગી ફૂલ તો હશે લાખો  બગીચાઓમાં તો,
કાંટાઓની ચાદર પર ગુલાબથી તને પ્રેમપત્ર લખું !

એમ જો તું દરીયો બની ટકરાય ચટ્ટાનો પર ,
ઉછળતી લાગણીના મોજાઓથી તારો ચહેરો લખું !

પ્રણયની આ મૌસમમાં તું એક પ્રેમનો જામ ભરે ,
ચાલ તો  હું'ય એક બીજી દેવદાસ લખું !

જો તુ મારી કવિતાને તારા કંઠેથી સૂર પૂરાવે ,
તો આલે લે, ચુમોતેર શબ્દોની કવિતા લખું !


- રજનીશ ટાંક ( 19/06/2021)

શુક્રવાર, જૂન 18, 2021

હોય છે....

ખારો સમુદ્ર, તોય યજમાન હોય છે ,
નદીઓ તોય એની મહેમાન હોય છે.

લાગણીઓને કાંડે બાંધી લએ તો ચાલે ?
હ્યદયની પણ એક નસ હાથમાં હોય છે.

એટલે જ તો એક દિહાડો અંધારુ હોય છે.
ચંદ્રમાં રોજ ક્યાં સંપૂર્ણ હોય છે !

ફૂલોના છોડ'ય લીલાછમ હોય છે ,
તોય એના ફૂલો રંગબેરંગી  હોય છે.

ઘૂવડની જેમ ક્યાં સુધી ભટકશું 'રાજુ' !
આગિયાને ક્યાં વિજળીના તાર હોય છે !

- રજનીશ ટાંક 
(૩૧/૦૫/૨૦૨૧)

ચૂક્યો છું.....

એની આંખોના સુકા રણમાં ,
મીઠી નદી વહાવી ચૂક્યો છું.

એના આંસુના વરસાદમાં,
મેઘધનુષ્ય બનાવી ચૂક્યો છું.

એના હ્રદયની ચટ્ટાનો ઉપર,
પગલા પડાવી ચૂક્યો છું.

એની હથેળીના સંમંદરમાં,
રેખાઓનું ગણિત ભણી ચૂક્યો છું.

એની માત્ર એક મૂસ્કાન માટે,
હું ખૂદ એના હોઠ બની ચૂક્યો છું !


- રજનીશ ટાંક (7-06-2021)